વચનામૃત જેતલપુરનું - ૩

સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મહોલ તેની આથમણી કોરને સમીપે જે ફૂલવાડી તેને વિષે સવારના વે’લા પધારીને વાડીને વચમાં મોટું બોરસડીનું વૃક્ષ તેની હેઠે ચોતરા ઉપર ગાદી-તકિયે સહિત જે ઢોલિયો તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ચંપાના તથા બોરસડીના તથા ગુલદાવદીના હાર પહેર્યા હતા ને પાઘને વિષે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા ને બે શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને બે હસ્તકમળ વિષે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ ઘડીક વાર સુધી વિચારીને એમ બોલ્યા જે, (૧) સર્વે સાંભળો એક વાર્તા કહીએ જે, દુષ્ટ વાસના રાખવી તેથી કાંઈ ભૂંડું નથી કાં જે દુષ્ટ વાસનાવાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે, પણ તે સુખિયા નથી રહેતા કાં જે તેમણે પ્રભુ ભજતાં પ્રથમ એમ માગ્યું હતું જે સમીપે રાખજ્યો પણ દુષ્ટ વાસના ન મૂકી તે સારુ દુઃખિયા છે. (૧)

ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, (૨) હે મહારાજ ! એ દુષ્ટ વાસના કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે જે જ્યારે વર્તમાનથી બાહેર સંકલ્પ થાય, તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય, ત્યારે નરનારાયણ-સ્વામિનારાયણ એમ વારંવાર પોકારીને નામ ઉચ્ચારણ કરવું, અને બીજું માહાત્મ્યે સહિત ને ધર્મે સહિત ભગવાનની નવ પ્રકારની ભક્તિ કર્યા કરે, ત્યારે ભગવાન તેના હૃદયમાં વાસ કરીને દુષ્ટ વાસનાને નાશ પમાડે છે, જેમ ગજને ગ્રાહના મુખ થકી ભગવાને છોડાવ્યો તેમ. માટે આટલી વાત સમજ્યા તો સર્વ સમજાઈ રહ્યું. (૨) ને વળી કહીએ છીએ જે, એક તો પાંચ વર્તમાન પાળવાં, ને બીજું પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું જે સંકલ્પ તથા નાના પ્રકારના જે તર્ક તે થકી પર જે આત્મા તે હું છું, અને મને સહિત જે દેહ તે હું નહિ એમ વિચારે, ને ત્રીજું ભગવાન કોઈના સામું જોઈને હસતા હોય વા કોઈને બોલાવતા હોય વા બીજાં ગમે તેવાં ચરિત્ર કરે તેમાં કોઈ દહાડે અભાવ ન આવે એવી રીતનો નિશ્ચય રાખવો એટલું સમજ્યા તો સર્વે સમજ્યા છો. અને વળી કોઈક એમ જાણે છે જે મેં તો મહારાજને બહુ ભજ્યા ને ઘણીક સેવા કરી, પણ આપણને તો મહારાજ બોલાવતા નથી, ને બીજાને તો બહુ બોલાવે છે ત્યારે આપણે ઘેર બેઠાં જ પ્રભુ ભજશું, એમ અવગુણ લે છે. ત્યારે અમે પણ એમ ધારીએ જે એ જીવને ને અમારે શું ? તો એ જીવનું ઠેકાણું રહે જ નહીં. પણ અમે તો કોઈનો અવગુણ લેતા જ નથી, અને અમારો સ્વભાવ તે તો સદા ગુણગ્રાહક જ છે. ને હવે એ ભક્તને ગુણ ગ્રહણ કરવો ને અવગુણ ટાળવો તેનો ઉપાય કહીએ છીએ જે, એ ભક્ત એમ વિચારે જે હું સત્સંગ મોરે કેવો હતો તો કાળ, કર્મ, જન્મ, મરણ, ચોરાશી તેનો ભોક્તા હતો, તે મુને સર્વ થકી છોડાવીને નિર્ભય કીધો ને રૂડા ગુણ આપીને મોટો કીધો, તે ભગવાનનો અભાવ કેમ હું લેઉં ? ને પ્રભુનું ગમતું મૂકીને પોતાનું ગમતું કેમ ઇચ્છું ? એમ વિચારીને અભાવ ન લે ત્યારે જ તે સુખિયો થાય છે. અને આ દેહે કરીને ભગવાનનું ગમતું કરવું, એથી બીજી વાત કાંઈ મોટી નથી, ને એ જ ભક્તિ છે; એણે કરીને જ ભગવાનને પમાય છે, માટે માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ એ આદિક કલ્યાણના વિરોધી છે તે સર્વને ત્યાગ કરવા. ને તેમાં માન છે તે તો અતિ ભૂંડામાં ભૂંડું છે, જુઓને બીજા વર્તમાનમાં કાંઈક કાચપ થોડી-ઘણી હોય તોપણ સત્સંગમાં નભ્યા જાય છે, પણ માનવાળા તો નભી શક્યા જ નહિ, માટે હે સંતો ! નિર્માન આદિક વર્તમાનમાં કોઈ દિવસ ચૂક પડવા દેશો મા; અતિ કુશળ રહેવું, અને દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું જાણવું, અને શ્રી પુરુષોત્તમ એવા જે નરનારાયણ તેમની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી ને ભગવાનની અખંડ સ્મૃતિએ સહિત ભજન કરવું તે તો ભગવાનનાં પ્રગટ દર્શનના સુખ તુલ્ય છે. (૩) બીજું, આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતાં આવડે તેણે કરીને કાંઈ મોટો નહિ, ત્યારે કોણ મોટા ? તો જે ચૌદ લોક પર્યંત તૃણ સમાન જાણે એવી વૈરાગ્યની અવધિએ યુક્ત હોય, અને જેમ દેહને વિષે આત્મબુદ્ધિ છે તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દૃઢતા સાક્ષાત્કાર બોધે યુક્ત હોય, અને સુષુપ્તિને વિષે જેમ જગતની વિસ્મૃતિ છે એમ જાગ્રત અવસ્થાને વિષે જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૨૩૨)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દુષ્ટ વાસના રાખે તે સુખી ન થાય. (૧) બીજામાં વર્તમાન બહાર સંકલ્પ થાય તથા અમારા ભક્તને વિષે અભાવનો સંકલ્પ થાય ત્યારે અમારું નરનારાયણ-સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ વારંવાર કરે, ને માહાત્મ્યે ને ધર્મે સહિત અમારી નવધાભક્તિ કરે તેના હૃદયમાં વાસ કરીને વિષયની આસક્તિનો નાશ કરી નાખીએ. (૨) અને પંચવર્તમાન પાળે ને પોતાને આત્મારૂપ માને અને અમારાં ચરિત્ર દિવ્ય જાણે ને અમારો નિશ્ચય હોય ને અમારા ગમતામાં વર્તે, ને માન-કામાદિકનો ત્યાગ કરીને અમારી ભક્તિ કરે, ને અખંડ સ્મૃતિએ સહિત અમારું ભજન કરે તેને અમારાં પ્રગટ દર્શન તુલ્ય સુખ આવે. (૩) અને જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે ને અમારા સ્વરૂપની દૃઢતા જ્ઞાને યુક્ત સાક્ષાત્કાર કરે તે સત્સંગમાં મોટો છે. (૪) બાબતો છે.

       પ્ર પહેલા પ્રશ્નમાં દુષ્ટ વાસનાવાળા ભક્ત અમારે સમીપે રહે છે, પણ સુખિયા નથી એમ કહ્યું તે દુષ્ટ વાસના કઈ જાણવી અને તે દુષ્ટ વાસનાવાળાથી શ્રીજીમહારાજને સમીપે શી રીતે જવાતું હશે ?

       શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારી આજ્ઞા વિરુદ્ધ પોતાના મનમાં સંકલ્પ થાય તે દુષ્ટ વાસના જાણવી, તે તરંગ ૨૩૨માં શ્લોક છે જે :

यदा मदीय मर्यादोल्लंघने मनसो भवेत् । संकल्पस्तर्हि विज्ञेया सैव दुर्वासनात्मन: ।।।।

જીવોના કલ્યાણ સારુ જ્યારે શ્રીજીમહારાજ પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે પ્રગટ થયા હોય તે વખતે શ્રીજીમહારાજને સમીપે ભક્ત રહ્યા હોય, પણ માયિક વાસના અંતરમાં રહી હોય, તો તેને ધ્યાન-ભજનનું સુખ આવે નહિ, તેથી દુઃખિયા રહે, માટે આ લોકને વિષે સમીપે કહ્યા છે પણ અક્ષરધામમાં સમીપે નથી કહ્યા.

       પ્ર અમને ભજતાં પ્રથમ માગ્યું હતું એમ કહ્યું તે પ્રથમ માગ્યું ક્યારે જાણવું ?

       પૂર્વજન્મને વિષે પણ માગે ને આ જન્મે પણ શ્રીજીમહારાજની સમીપે સેવામાં રહેવાનું માગે, માટે સમીપે રાખ્યા પહેલાં માગે તે પ્રથમ માગ્યું કહેવાય, પણ દુષ્ટ વાસના જે વર્તમાન બહાર સંકલ્પ થતા હોય તેથી શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય નહિ ને ધ્યાન-ભજનનું સુખ આવે નહિ; માટે દુઃખિયા રહે.

       પ્ર (૨/૩ બીજા પ્રશ્નમાં) વર્તમાનમાં થોડીઘણી કાચપ હોય તોપણ સત્સંગમાં નભ્યા જાય છે એમ કહ્યું તે કાચપ કેટલી જાણવી ?

       શ્રીજીમહારાજને સર્વોપરી જેવા જાણ્યા જોઈએ તેવા જાણ્યા હોય પણ પંચવર્તમાન વિરુદ્ધ સંકલ્પ ટળી ગયા ન હોય તે કાચપ કહી છે, આનો ખુલાસો (. ૧૩ના અગિયારમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.

૪      પ્ર (૨/૪ના બીજા પ્રશ્નમાં) જેમ દેહને વિષે આત્મબુદ્ધિ છે તેમ અમારા સ્વરૂપની દૃઢતા સાક્ષાત્કાર જ્ઞાને યુક્ત હોય એમ કહ્યું તે સાક્ષાત્કાર દૃઢતા કેવી રીતે જાણવી ?

       જેમ દેહમાં જીવ રહ્યો છે તે દેહને વિષે એકત્વભાવ છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકત્વભાવ થાય, ને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ ભોગવે તે શ્રીજીમહારાજની મૂર્તિની સાક્ષાત્કાર દૃઢતા કહેવાય, પણ એવી સ્થિતિ ક્યારે થાય તો પોતાને દેહથી પૃથક્‌ માનીને શ્રીજીમહારાજને આકારે થઈને મૂર્તિને ધારે તે મૂર્તિને ધારતાં ધારતાં મૂર્તિનો સાક્ષાત્કાર થાય, ને તે ભેળી જગતની વિસ્મૃતિ થઈ જાય ને એક શ્રીજીમહારાજને જ દેખે પણ બીજું કાંઈ દેખે જ નહિ પણ જગતની વિસ્મૃતિ થયા વિના ને મૂર્તિનો સાક્ષાત્કાર થયા વિના પાધરી જ ઉપર કહી એવી જે અનાદિમુક્તની સ્થિતિ તે થાય જ નહીં.

       પ્ર દેહમાં જીવાત્મા રહ્યો છે તે દેહને જ પુરુષોત્તમનું સ્વરૂપ માને જે આ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે, ને દેહ તો છે જ નહિ, એમ માનીને એ દેહમાં રહ્યો થકો ધ્યાન કરે તે અનાદિમુક્તના જેવી સ્થિતિ કહેવાય કે નહીં ?

       એવી રીતે માનવાથી માયાનો સંબંધ ટળતો નથી, ને દેહ તો માયિક છે તે પુરુષોત્તમરૂપ માનવાથી પુરુષોત્તમરૂપ થતો નથી, ને એમ માનવાથી એવી સ્થિતિ કોટિ કલ્પે પણ થાય નહિ, એમ માનનાર તો અસત્પુરુષ છે ને વેદાંતીથી પણ અતિ નીચ ને મલિન છે, કેમ જે વેદાંતી તો માયિક દેહનો નિષેધ કરીને સત્યરૂપ એવો જે આત્મા તેને બ્રહ્મ માને છે, ને આ તો અસત્ય ને મિથ્યા એવો જે દેહ તેને સત્ય માને છે, માટે વેદાંતીથી પણ અતિ પાપી ને દુષ્ટ છે. ને એ તો અસત્પુરુષની સમજણ છે એમ (લો. ૧૧ના પહેલા પ્રશ્નમાં) કહ્યું છે. ।।૩।।